પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખેંગારનું મડદું આંહીં લઈ આવજો. વિના દુ:ખે એને હું દેન દઈશ. પણ તમને નહિ જવા દઉં.

આંતરની અંદર ઉદાર રા' કવાટની તારીફ કરતા કરતા સેજકજી શાપુર આવ્યા. જોયું તો ખેંગાર જીવતો છે. તત્કાળ જૂનાગઢ ખબર મોકલ્યા. રા' હર્ષભેર શાપુર પધાર્યા, ગોહિલોને ધન્યવાદ આપ્યા. એ શૂરી ક્ષત્રિયાણીને પણ ધન્યવાદના ખબર મોકલ્યા.

સેજકજીએ પોતાનાં દીકરી બાલમકુંવરીને એ જ વખતે ખેંગારની સાથે પરણાવ્યાં. જૂનાગઢમાં ભર દરબાર વચ્ચે રા' કવાટે સેજકજીને બીજાં બાર ગામનો પટો કરી આપ્યો.

એ વખતે સેજકજીએ પોતાના નામ પરથી સેજકપુર નામનું ગામ બાંધ્યું. *


[આ આખી વાતને સુપ્રસિધ્ધ ઇતિહાસકાર શ્રી ગૌરીશંકર ઓઝાએ બહોળાં પ્રમાણો વડે પોતાના 'રાજપૂતાને કા ઇતિહાસ' માં સેજકજી પૂરતી તો બિનપાયાદાર જ ઠરાવી છે. પોતે લખે છે : 'ઇ. સ. ૧૧૪૫માં એનો પુત્ર મૂલક સૌરાષ્ટ્ર (સોરઠ)નો નાયક હતો. સેજકે જૂનાગઢના રાજા મહીપાલની સેવામાં રહીને તે જાગીર નથી મેળવી, પણ સોલંકી રાજા (સિદ્ધરાજ જયસિંહ)ના અંગરક્ષક બનીને સોરઠની જાગીર મેળવી હતી. સંભવ છે કે સિદ્ધરાજ જયસિંહે જ્યારે જૂનાગઢના ચૂડાસમા (જાદવ) રાજા ખેંગાર પર ચડાઇ કરી એને કેદ કર્યો અને સોરઠને પોતાના રાજ્યમાં ભેળવી દીધું, ત્યારે સેજક પોતાનો વિશ્વાસપાત્ર અંગરક્ષક હોવાથી એને સોરઠનો સૂબો બનાવ્યો હોય. વિ. સં. ૧૨૦૨ (ઇ. સ. ૧૧૪૫)માં સેજકનો પુત્ર મૂલક સોરઠનો નાયક હતો. સેજકના પુત્રોનાં નામ રાણોજી, શાહજી વગેરે પણ કલ્પિત જ છે : કેમ કે એના પુત્ર મૂલકના વિ.સં. ૧૨૦૨ (ઇ. સ. ૧૧૪૫) ના માંગરોળની સોઢલી વાવના શિલાલેખમાં એ નામ નથી, પણ મૂલક અને સોમરાજ છે.' - 'રાજપૂતાને કા ઇતિહાસ' ખંડ બીજો : પાનું ૪૩૨.]

આ વાર્તાનો પદ્યભાગ કવિશ્રી પિંગલસી પાતાભાઈ કૃત 'ભાવ ભૂષણ' કાવ્યમાંથી લીધેલ છે.