પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સેજકજીએ આ સમાચાર સાંભળ્યા. એના હૈયામાં ફાળ પડી; એને લાગ્યું કે મારા અન્નદાતાના એકના એક કુંવરનો વધ થયા પછી મને આંહીં કોણ રાખશે ? તરત જ બાર ગામનો પટો હાથમાં લઈને સેજકજી રાજ-કચેરીમાં ગયા; રા'ની પાસે મસ્તક નમાવી, બે હાથ પટો પગમાં ધરીને બોલ્યા:

हम सुन्या बुरा यह समाचार
अब होत जिया मेरा उदास
रहेना न उचित हम आप पास॥

હે રાજા! મેં આ બૂરા સમાચાર સાંભળ્યા છે; એથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે. આપની પાસે રહેવું હવે મારે માટે ઘટિત નથી.

રા' કવાટ હસીને જવાબ વાળે છે :

रजपूत वंशकी यही रीत॥

હે ગોહિલજી ! સાચા રજપૂતનો તો એ જ ધર્મ છે કે શરણે આવેલાને ઉગારવા જતાં જરાયે પાછાં ન હઠવું. એક શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુમારોએ અને જોદ્દાઓએ જુદ્દ જમાવ્યું; અને

मम पुत्र हने कवु टेक काज
जिनमें न आपको दोष आज॥

મારા કુંવરને તમારા માણસોએ એક ક્ષત્રિયની ટેકને ખાતર હણ્યો, એમાં તમારો દોષ શો, અરે સેજકજી ?

दूसरा होय मम पुत्र धाम
खेंगार घरूंगा फेर नाम ॥

દીકરો તો બીજો મળશે. કુમાર ખેંગાર ભલેને મરી ગયો ! બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પાડીશ. પણ હે ગોહિલ

तुम जेसा क्षत्रिय मट प्रवीन
हमकु मिलना होवे कठिन ॥

તમારા સરખો શૂરવીર ને ટેકીલો એક ક્ષત્રિય સુભટ મને બીજે ક્યાં મળે ? માટે જાઓ, ફિકર કરો મા, તપાસ કરો કે શું બન્યું. સુખેથી