પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લપાઈ જાય તેમ, રાણીજીના ખોળામાં સફેદ સસલો બેસી ગયો. હાંફતાં સસલાને હૈયા સાથે ચાંપીને રાણીજી પંપાળવા લાગ્યાં. ખોવાયેલું કોઈ બાળક આવી મળ્યું હોય એવું હેત એના અંતરમાં વછૂટવા લાગ્યું. ત્યાં તો ખેંગારની મંડળી આવી પહોંચી. ઘોડાં હણહણી ઊઠ્યાં, ભમ્મર ભાલા ઝળકી રહ્યા અને હાંફતા હાંફતા માણસો લાલાની અણી ચીંધાડીને હાકલ કરવા મંડ્યા : "સાંસો આમાં ગયો, આ લબાચામાં. કોણ છો? એલાં એય ! અમારો સાંસો કાઢો ઝટ !"

થોભાળા ગોહિલ જોદ્ધાઓ ઝપાટાભેર પોતાની તલવારો લઈને આવ્યા; શિકારીઓને આ રીડિયાનું કારણ પૂછ્યું.

"અમારો શિકાર આંહીં સંતાણો છે." ખેંગારે ત્રાડ મારી.

"અરે ભાઈ ! આંહીં કોઈના ઘરમાં કાંઇ શિકાર થાય છે ?" ગોહિલો બોલ્યા.

"તો અમારા સસલાને છૂટો મૂકી દ્યો."

ગોહિલ જોદ્દાઓએ જઈ રાજમાતને આ વાત કહી, માને સમજાવ્યું કે એ તો નવસરઠુંનો કુંવર ખેંગાર પોતે જ છે.

રાજમાતાએ ઉત્તર દીધો : "નવસરઠુંનો ધણી હોય કે ખુદ નવખંડ ધરતીનો ધણી હોય; પણ મારે ખોળે આવેલા નિર્દોષ જીવને તો હું નહિ સોંપું, બાપ ! જાઓ, કહો કુંવરને."

કુંવરે કહ્યું : "શિકાર સોંપી દ્યો, નહિ તો આંહીં જ લોહીનાં ખાંદણાં મચશે."

ઓછાબોલા ગોહિલો સમજ્યા કે કુંવર રજપૂતની રીત નથી જાણતો; એ રીત આજે સમજાવી નાખીએ. એટલું વિચારીને તમામ ગોહિલો તલવાર કાઢીને ખડા થઈ ગયા. ખિજાયેલો ખેંગાર ભાન ભૂલી ગયો; ત્યાં ને ત્યાં ધીંગાણું મચ્યું. પટોપટ સોરઠી લડવૈયાના પ્રાણ ચાલ્યા ગયા. કુંવર ખેંગારને ગોહિલોએ જીવતો પકડી ત્યાં બંદીવાન રાખ્યો.

આ ધીંગાણામાંથી બચી છૂટેલા એક સોરઠી ઘોડેસવારે જૂનાગઢમાં જઈ પોકાર કરી મૂક્યો : "કુંવર ખેંગારને અને બધા જોદ્દાઓને સેજકજીના ગોહિલોએ હણી નાખ્યા."