પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ શાપુર ગામ હતું. ૯અત્યારે જ્યાં સુદામડા ધાંધલપુર છે ત્યાં.) દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો. એ સોહામણી ભૂમિ એમના પરિવારને અહુ ગમી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ સરહદ જૂના ગઢના રા'ની છે.

પોતાના ગોહિલ જોદ્ધાઓને, રાણીને અને દીકરા-દીકરીને ત્યાં રાખી સેજકજી જૂનાગઢ જોવા ચાલ્યા ગયા. એ વખતે જૂના ગઢની ગાદી પર રા' કવાટ રાજ કરતો. આખા સૌરાષ્ટ્ર પર એની આણ વર્તતી હતી. સેજકજી રા'ની રાજસભામાં ગયા. રા'કવાટે એ ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધું કે કોઈ રાજવી લાગે છે. પૂછપરછ કરતાં સેજકજીએ પોતાની આખી કથની કહી સંભળાવી. રા'ને તો આવા વીરની સદા જરૂર જ રહેતી. એણે સેજકજીને બાર ગામનો પટો કરી આપી, પોતાના એક પટાવત તરીકે સ્થાપ્યા. સેજકજી રા'ની પાસે જૂનાગઢમાં રહેવા લાગ્યા. એનાં પ્રતાપ અને પ્રભુભક્તિ ક્રમે ક્રમે પ્રકાશતાં ગયાં. કચેરીમાં એની તોલે આવે એવો વીર નહોતો. એવામાં એક દિવસ એની ક્ષત્રિયવટની કસોટી આવી પહોંચી.

एक दिन कवाट नृपके कुमार
खेंगार गये खेलन शिकार ॥

એક દિવસ રા'નો કુંવર ખેંગાર શિકાર ખેલવા નીકળ્યો. શિકારી કેટલા કેટાલ ગાઉ આઘે નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી. કુંવર ખેંગાર અને તેના સાથીઓ ઝાડી, જંગલો ને પહાડો વટાવતા આઘે આઘે નીકળી ગયા, કારણ શિકાર મળતો નથી. એવામાં એક સસલો નજરે પડ્યો. કુંવરે તીરનો ઘા કર્યો; પણ સસલો નિશાન ચુકાવી નાઠો. આગળ સસલો ને પાછળ કુંવરનું આખું શિકારી મંડળ; ઘોડાના ડાબલાનો અવાજ ચોપાસની ડુંગરમાળ ગજાવી રહ્યો છે, પશુપંખી એ શિકારીઓની ત્રાડો સાંભળીને કાંપી ઊઠ્યાં છે, પણ ભાગેલો સસલો ઘામાં આવતો નથી.

આમ આખી સવારી પંચાળ ધરામાં આવી પહોંચી. નદીને કાંઠે ગોહિલોની પડાવની અંદર સસલો પેસી ગયો. અને સેજકજીનાં રાણી મઢૂલીમાં બેઠાં હતાં. ત્યાં જઈ માની ગોદમાં કોઈ થાકેલું-ત્રાસેલું બાળક