પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાત રહ્યાં.

સવાર પડ્યું. રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના બહોળા પટમાં એ ડોશીના બેટાની બાંગ સંભળાઇ. બ્રાહ્મણોએ રાજાજીને સમજાવ્યું કે આ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની ! રાજાને કુમતિ સૂઝી. એ બાળકનો શિરચ્છેદ કરાવ્યો !

છોકરા વિનાની માતાએ અમદાવાદ જઇને ચોધાર આંસુએ મહમદશાહ બેગડા પાસે વાત કહી. મહમદશાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી. રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે; પરંતુ રાજાને કોણ કહેવા જાય ? દુર્મતિઓ રાજા તો રાણવાસમાં અહોરાત ગુલતાન કરે છે. બહારની દુનિયામાં ડોકિયું પણ કરતો નથી. સહુને બીક લાગે છે કે કહેવા જનાર જીવતો પાછો નહિ નીકળે.

પછી તો એક ચારણે હિંમત કરી. અંદર જવાનો રસ્તો તો બંધ હતો, એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો : "એ બાપ રાણા ! -

રાણા રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?

હે રાણા ! હવે તો રમત છોડ. શત્રુનું સૈન્ય તારે સીમાેડ કનારા ગામ સુધી આવી પહોંચ્યું. હે ક્ષત્રિય ! ચોપાટની રમત શું તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો ?

ચારણના શબ્દો કાને પડતાં તે ચોપાટના પાસા ફગાવીને રાણો ઊભો થયો. રાણીઓને ભલામણ દીધી કે : "જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિ પર ઊડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું. પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજજો કે મારો દેહ પડી ગયો."

રાણીઓએ ઉત્તર દીધો : "પણ રાજા, જોજો હો, એ વાવટો પડ્યા પછી અમે ચોરાશીમાંથી એકેય જીવતી નહિ રહીએ."

રાણજી સૈન્ય લઇને રણે ચડ્યો. રાણપુરથી ત્રણ-ચાર ગાઉ આઘે મહમદશાહની ફોજ સાથે એની તલવારો અફળાઈ. આંહીં ગઢને ગોખે બેઠી