પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેઠી ચોરાશી રજપૂતાણીઓ નજર માંડીને જોયા કરે છે, ધજા ગગનમાં ઊડતી દેખાય છે; એ ધજાને આધારે રાણીઓ જીવે છે.

વિજય કરીને રાણજી પાછા વળ્યા. જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે. પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને, તે રસ્તામાં એક વાવ આવી. ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઊતર્યો. રાણજીનું ધ્યાન નહોતું રહ્યું. એ ભૂલી ગયો હતો કે એ નેજા ઉપર ચોરાશી જીવાત્માઓ ટાંપીને બેઠા હશે !

કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ ચોરાશી ક્ષત્રિયાણીઓએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા. હવે હમણાં મુસલમાન આવી પહોંચશે. તમામ રાણીઓએ ધબોધબ ગઢના કૂવામાં પડીને પ્રાણ છોડ્યા.

વિજયી રાણજી દોડતે ઘોડે રાજમહેલમાં આવ્યા, ત્યાં તો રાણીઓનાં શબથી કૂવો પુરાયેલો દીઠો ! એનો સંસાર એક પળમાં વેરાન બની ગયો.

હવે જીવીને શું કરવું છે ? એમ વિચારીને એ પાછો વળ્યો. મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી તેમાં પહોંચ્યો ને જુદ્ધ કરતાં કરતાં મરાયો.

મુસલમાન ફોજ રાણપુર આવી. કિલ્લો હાથ કર્યો. રાણી તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઇને એક દાસી રાણજીના ભાઇને ઘેર ઉમરાળા નાસી ગઇ.

હજુય જાણે એ રાજમહેલમાં ખંડેરમાં ચોરાશી મુખોના કલકલ હાસ્યધ્વનિ ગાજે છે, સામસામી તાળી દેતા સુંદર સુકોમળ હાથની ઘૂઘરીજડિત ચૂડલીઓ જાણે રણઝણી રહે છે; ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે; અને છેવટે ગૂંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ -

રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?

અને એ પહોળો કૂવો ! ચોરાશી સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હીબકાં નહિ ભરતાં હોય ?