પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાર-આઠ પટાધર રજપૂતોને લઈ ચાલ્યો; મછવો પેરંભને કાંઠે નાંગરી ઝાડીમાં પગલાં ભર્યા.

કહે છે કે ખાડી તરીને કાંઠેથી કેસરી પેરંભ બેટ જાતો. રોજ જઈને ભરખ કરતો, ભરખ કરીને પાછો વળતો. આજ એણે ઊંચા ઘાસની અંદર માનવીનો સંચાર સાંભળ્યો. એને મનુષ્યની ઘ્રાણ્ય આવી. એણે છલંગો મારી.

‘ઘે! ઘે! ઘે! ઘે!’ એ ત્રાડ ભેળી જ એક છલંગ: આઠેય અંગરક્ષકો અવળે મોઢે ઘાસમાં બેસી ગયા, અને એકલવાયા મોખડાએ સમશેરની ગાળાચી કરી. ડાબા હાથમાં ગેંડાની ઢાલ હતી તે માથા ઉપર ઓઢી લીધી. સાવજનો થાપો બરાબર એ ઢાલ ઉપર ઝીલ્યો તો ખરો, પણ શત્રુના અનોધા જોરની થપાટથી ડાબો હાથ ખળભળી પડ્યો. જુવાન મોખડાએ જમણી ભુજાથી સમશેર ઝીંકી; ઝીંકતાં અધ્ધરથી જ સાવજના બે નોખા કટકા થઈને નીચે પડ્યા. કેસરીને કેડથી જ નોખો કરી નાખ્યો હતો. સાવજ પડ્યો જાણી આઠેય રજપૂતો હોશિયાર બનીને ઘાસમાંથી ઊભા થયા. પણ મોં અવળાં હતાં તે સવળાં ફેરવવા જાય છે ત્યાં મોખડે હાક મારીઃ “હાં રજપૂતો ! હવે એને એ મોંએ સિધાવી જાઓ. હવે મને મોઢાં દેખાડવા ઊભા ન રે’શો, બાપ! રસ્તો મોકળો પડ્યો છે.”

નમાલા સાથીઓને વળાવી મોખડે પેરંભનો ટાપુ પોતાના કબજે લીધો. રાજધાની સ્થાપી રૈયત વસાવી. દરિયાનું નાકું ઝાલીને ચાંચિયા ઉપર કરવા માંડી. આવતાં જહાજો આગળથી પોતાનું દાણ લેવા લાગ્યો. મહાબળિયો મોખડો ‘હડમાન’ કહેવાણો. [૧] જળથળ બેય ઉપર એની આણ વર્તવા લાગી.

“અરે, મારું દાણ હોય નહિ, હું દિલ્હીનો વેપારી. પાદશાહનો પટો લઈ દેશાવર ખેડનારો.”


  1. પહેલી આવૃત્તિમાં ‘વહાણોની લૂંટફાટ કરવાનો લોભ લાગ્યો’ લખેલ તે બરાબર નહોતું.