પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કો‘ક દી જોશે ? અને રાણિયુંના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી ! ખેડુનાં ઘરમાં ખાવા ધાન નો રે‘વા દીધું ! ઈ તો રાજા છે કે કસાઈ ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય !"

સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં સાતગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાનાં વેણ કહી નાખ્યાં.

અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ-પ્રસાદીથી તો એની ભૂખ ઊલટી વધી. સોંડાને એણે પૂછ્યું :

"ભાઈ, ભૂખ લાગી છે. કાંઈ ખાવાનું આપીશ ?"

"શું આપે, કાળજાં અમારાં ? તમે બધાએ ભેળા થઈને ખેડુના ઘરમાં ધાન ક્યાં રે‘વા દીધું છે ? બોળો ખાવો છે, બોળો ?"

"બોળો શું ?"

"બાપગોતર બોળોય દીઠો નથી ને ?" એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. છાસની અંદર ઘઉંનું થુલું (ભરડેલું ધાન) નાખીને ખેડુ લોકો રાંધે, અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટિંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શીળેરે હવામાં ઘણી વાર સુધી રહી, એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ. પાંદડાનો એક દડિયો (પડિયો) બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું :

"વધારે છે ?"

સોંડે મીઠું મીઠું હસીને કહ્યું : "કેમ, મારે ખાવાય નથી રે‘વા દેવું ને ?" એમ કહીને બીજો દડિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી, બધો બોળો મહેમાનને ખવરાવી દીધો.

પરોણાનું પેટ ઠર્યું, તેમ દુઃખદાઝથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું.