પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જાતાં જાતાં એણે પૂછ્યું : "ભાઈ, તારું નામ શું ?"

"સોંડો."

મુસાફ્રે ગજવામાં થી નોંધપોથી કાઢીને નામ લખી લીધું. સોંડો બોલ્યો : "કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને ? નામ શીદ લખછ, બાપા ?"

હસતાં હસતાં અસવાર બોલ્યો : "ભાઈ ! ભાઈ ! ભાવનગર કોઈ દિવસ આવશો ને ?"

"હં, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોંસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય ! તેં તો વળી બોળો ખાધો ને નામેય લખ્યું, એટલે ઓળખીતાને બે ઠોંસા વધુ લગાવ્ય, ખરું ને ? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે !"

બીજા દિવસનું મોંસૂઝણું થયું ત્યારે છાશ-રોટલો શિરાવીને, માથે કોસ મેલી, વરત, વરતડી, પૈ અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જાવા નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું : "સોંડો માળી કોનું નામ ?"

"મારું નામ સોંડો." કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો.

"કોણે, બાપ ?"

"ઠાકોર વજેસંગજીએ પંડે."

આ સાંભળી, સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈ કાલની વાત સાંભરી; લાગ્યું કે ‘નક્કી કાલ મેં ગાળ્યું દીધેલી ઈ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે, અને હવે નક્કી મને કેદમાં નાખશે.’

બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એનાં છોકરાં પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલાં. એમને કાંઈ સમજ ન પડી.

સોંડાએ બાયડીને કહ્યું : "હવે આપડા તો રામરામ સમજવા !"