પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બળદ અને કોશ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જાતાં જાતાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે, પણ ભેળાભેળ ઠાકોરને મોઢામોઢ જ મારે ઈનાં ઈ વેણ સંભળાવી લેવાં છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો ?

સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો ! એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો : આ તો ઠાકોર પોતે ! સોંડો ભયભીત બની ગયો.

ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું : "પણ સોંડા, તું બીવે છે શા માટે ?"

"બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે."

"એમાં શું ખોટું થયું, ભાઈ ? તમે તો અમારા છોરુ કહેવાઓ. તમરે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક્ક છે. બચ્ચાંની ગાળો તો માવતરને ઊલટી મીઠી લાગે."

સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી : "ઓહો જેસાભાઈ ! પરમાણંદદાસ ! શું કહું ? આ ભોળિયા ખેડુનાં વગર ઓળખ્યે આદરમાન : એ મીઠો બોળો : અને એથીય મીઠી એની સાચુકલી ગાળો ! એવી મઝા મને આ મોલાત્યુંની મીઠાયુંમાં નથી પડી." બોલાતાં ! બોલતાં ઠાકોરની છાતી ફૂલવા લાગી.

ઠાકોરે ફરી પૂછ્યું : "સોંડા ! તારે કેટલી જમીન છે ?"

"બાપુ, સો વીઘાં જમીન ને એક કોસની વાડી છે."

મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું : "એક ત્રાંબાનું પતરું મંગાવો."

ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું : ‘સોંડાને બાર સાંતીની જમીન અને છ વાડીના કોસ આપવામાં આવે છે.’

પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા : "પણ એ બિચારો આટલી જમીન ખેડવાના