પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બળદ લેવા ક્યાં જશે ? આપો બાર બળદ."

બાર બળદ આપ્યા.

વળી દરબારે કહ્યું : "બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે ? આપો વીસ કળશી બાજરો."

બાજરો આપ્યો.

"બિચારાને છોકરાં છાશ લેવા ક્યાં જશે ? આપો ચાર ભેંસો."

ચાર ભેંસો અપાઈ.

"રૂપિયા એક હજાર આપો."

માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો.

સોંડાના પરિવાર પાસે આત્યારે એ લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ શ્થિતિમાં છે.

એક દિવસ વજેસંગજી શિકારે નીકળેલા. ઓળખાય નહિ તેવો શિકારી લેબાસ પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઊભેલી. પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડેસવારને બેચાર ગાળો દીધી : "મારા રોયા, ભાળતો નથી ? પીટ્યા, ઊભા ખેતરમાં ઘોડો હાંકછ તે લાજતો નથી ?"

મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું : "ડોસી, ગાળો કેમ કાઢછ ? ઓળખછ ? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દેશું, જેલમાં !"

"હવે જા જા, રોયા ! તારા જેવા સપારડા તો કૈંક આવે ને જાય ! બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ?"

ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે ‘વાહ ! મારી પ્રજા કેવી નીડર ! મારા પર એને કેવો વિશ્વાસ ! એને વધુ નીડર બનતાં શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ.’

એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી.