પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.

રંગ છે રવાભાઈને

રતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયાં તે સમયની આ વાત છે. સવંત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળીભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદઝરતે સાદે ગાતી હતી —

કિયા ભાઈના કૂવા કરે કીચુડિયા રે
કિયા ભાઈની વાડિયું લેરે જાય
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!

રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો બોલાશ નથી. ખેડૂતોએ અગતો પાળીને ધોરીને પૉરો દીધો છે, અને પોતે સહુ ઉપવાસ રહીને ગામના ઠાકરદ્વારમાં રામજન્મનો ઉત્સવ કરે છે; આખી સીમ સૂની પડી છે.

એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂછોવાળો ઘોડેસવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે. વરતેજનાં આંબાવડિયાંની સાખો ચાખતી કોયલો ડાળે ડાળે હીંચકે છે. આવું સોને મઢ્યું સવાર, આવાં મહેકતાં આંબેરણ, ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન, અને દેવપંખીના ટૌકાર : પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડેસવારનું મન નથી.

3