પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
4
સૌરાષ્ટ્રની રસધાર:1
 


“હાંક્યે રાખો, ભાઈ! હાંકો ઝટ, બાપા! જોજો હોં , ક્યાંક રામનોમ રસ્તામાં નો કરવી પડે!” પોતાની સાથે ખોરડાં બાંધવાના કાટનાં બે ગાડાં હતાં, તેનાં હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે. ગાડાં કડકડતાં ભર્યાં છે. એક ગાડું મૂળુ પરમાર નામનો રજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે.

વરતેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા અંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે પચીસ-ત્રીસ ઉતારુ ભરીને બીજાં ત્રણચાર ગાડાં ચાલ્યાં જાય છે. સ્ત્રીપુરુષોનો આવડો મોટ સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્ય વધારી. પલકવારમાં તો આંબી પણ ગયો.

આઘેથી એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ; અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપશી શેઠ.

ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો : “ઓહોહોહો! આ તો આપણા રવાભાઈ : આ તો બાપુ! આવો! તમે ક્યાંથી? જે સ્વામીનારાયણ!”

“જે સ્વામીનારાયણ, ગોરધન શેઠ! ચાંપશી શેઠ, જે સ્વામીનારાયણ!” રવાભાઈએ જવાબ વાળ્યો: “આપણા ઓરડા ચણાય છે તે એના સારુ કાટ લેવા હું ભાવનગર ગયો’તો”

“ઠીક થયું, ઠીક.” બે-ત્રણ શેઠિયા બોલ્યા: “અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા’તા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ. સાથે પાંચ-સાત હજારનું જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાથ થયો.”

“હા ભલે! જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું; પરંતુ મારે હોશિયારી રાખવી પડશે.” એમ કહી રવાભાઈએ પોતાના કાટનાં ગાડાં આગળ કર્યાં, વચમાં વાણિયાના ગાડાં રાખ્યાં અને પોતે ઘોડેસવાર થઈ પાછળ ચાલ્યા.

નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળિયે આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે. એને જોઈને રવાભાઈએ પૂછ્યું: “કાં ભાઈઓ! તમે ક્યાં જાવ છો?”