પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સિંધીઓ બોલ્યા: "આ સરહદનો અમારો જુંબો છે. કોઈ વટેમાર્ગુ સાથે જરજોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે."

આવો જવાબ મળ્યા છતાં રવાભાઈ ને શંકા તો રહી ગઈ. એણે કહ્યું: "તેમ હોય તો ભલે; પણ અમને તમારી જરૂર નથી. કારણ હું રજપૂત - ગરાસિયો છું અને સાથે છું, માટે તમે તમારે ખુશીથી પાછા વળો."

પણ વાણિયા બોલ્યા: "એક કરતાં બે ભલા; માટે, રવાભાઈ બાપુ, ભલેને ઈ યે સાથે આવે."

રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગલ ચાલવા માંડ્યું.

રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છેગામના દેવાણી ભયાત વડોદ (દેવાણી)ના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતાં કાળિયા આંબા આગળ સાથે થયા હતા.

રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાળીયા ગામ વચ્ચે કાળીસર નદી ઊતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો, એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયાર બંધ માણસો વિષે એને વહેમ હતો જ; અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરુ છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી, તરવારની કોંટી છોડી, હોશિયાર થઈ, શું થાય છે તે જોતાં રવાભાઈ ચુપચાપ આગળ ચાલ્યા.

આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી