પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાથે ભળી ગયા અને ચારે જણાએ, જેવા ગાડાં ઢૂંકડાં આવ્યાં તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડાં ઊભા રખાવ્યાં અને કહ્યું: "અમને આમાં અફીણ હોવાનો શક છે; માટે આ ગાડાંઓની ઝડતી લેવા દ્યો."

ગાડાં અટક્યાં એટલે રવાભાઈ ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઊતરી, પોતાના બન્ને ગાડાંવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડાં અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું : "ભાઈઓ! આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો; પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય. માટે કોરે ખસો અને ગાડાં હાલવા દ્યો."

આટલું કહેતાં કહેતાં જુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો: "દરબાર! તમારા કાટનાં ગાડાંની ઝડતી નથી લેવી; માટે તમે તમારાં ગાડાં હાંકીને હાલતા થાઓ. અને આ બીજાં ગાડાંઓની ઝડતી તો લેવી જ પડશે."

રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બન્ને આદમી જુંબેદાર નહિ પરંતુ આ લૂંટારુ ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા: "ભાઈઓ, આ બધાંય ગાડાં મારાં છે. કાટનાં ગાડાં કાંઈ નોખાં નથી. તમારી મતલબ હું જાણી ચૂક્યો છું. પણ ભાવનગરની જમણી ભુજા ભા દેવાજીનું નામ તમે જાણો છો ને? તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહિ જ પડે. મારા કુળની ખાનદાની અને શૂરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે. એટલે મારે તો આંહી ખપી ગયે જ છૂટકો છે. માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળવો, અને અમને જવા દ્યો. આજે રામનવમી છે; મારા મોંમાં નકોરડો અપવાસ છે, નાહક મારા જીવને ક્લેશ થશે માટે કોરે ખસી જાવ!"

લૂંટારાઓએ એકબીજાની સામે જોયું, પોતાની સિંધીભાષામાં એવું કાંઈ બોલ્યા કે 'આટલા બધામાં ફક્ત આ એક જ છે.' એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છુટ્ટો ઘા કર્યો; પણ સમયસૂચકતા