પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા: "ભાઈઓ! હું એકલો છું; વળી ઉપવાસી છું; દુશ્મનો વધારે છે. તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામીનારાયણ સહાય કરશે." એટલું બોલીને રવાભાઇ એ તલવાર ખેંચી.

વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા, સાથેના રજપૂતોમાંથીય રજપૂતાઈની રજ ઊડી ગઈ. પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું.

ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખિજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હઠી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાડાં ઉપર બીજો સખત ઘા પડ્યો.

એક તો પોતાનો નકોરડો ઉપવાસ હતો, તેમાં પાછા હઠતાં ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો; એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચુકાવી, પડતાં પડતાં, રવાભાઈએ જોરથી તલવારનો લેખણવઢ ઘા કરીને એકને જમીનદોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો, તે પોતાના માથામાં વાગ્યો; પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો; એટલે બાકીના દુશ્મનો નાહિંમત થઈ ગયા અને બન્ને લાશો ઉપાડી જીવ લઈ નાઠા. [૧]

રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ 'આડા' ઉપર ઝીલી લીધા હતા. તોય વાંસામાં તથા હાથે એમ બેત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલાં જ; છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને

  1. ચોર-લૂંટારુઓને, પોતે કોણ છે એ ઓળખાઈ ન જાય એટલા માટે પોતાના મરનાર સાથીઓના મુડદાં ઉપાડીને જ ભાગવું પડે, માટે જ તેઓ પોતાનાં વધુ માણસો મરવા ન દેતાં ભાગી નીકળે છે.