પૃષ્ઠ:Rasdhar 1.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પકડી લીધા. કેટલીય વારે માંડમાંડ શૂરવીરતાનો ઊભરો શાંત થયો, ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી.

રવાભાઈ સ્વામીનારાયણના પાકા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ, એટલે તરત જ સૌને કહી દીધેલું કે 'મારા પ્રાણ જાય તો ભલે, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહિ.'

બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા.

મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા : રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચૂંકારો ન કાઢ્યો, પણ એણે તો એટલું જ કહ્યું :

"મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજું છું. અને મારી તો આજ રામનોમ સુધરી."

આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેવરાવ્યું કે 'રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો.' બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું, ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી શેલું ભેટ મોકલ્યાં, ભારે શાબાશી આપી, શૂરવીરતાની કદર કરી.

આ વર્ષ પછી કેટલેક વર્ષે ભાલપ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવાબખાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણનાં બંધાણી હતા. ચોરે કસુંબો નીકળ્યો. જમાદારે કસૂંબો લેતાં પહેલાં છાંટાનાખી 'રંગ છે રવાભાઈ રજપૂતને' એમ રંગ આપી કસૂંબો લીધો. સૌએ પૂછ્યું : "રવાભાઈ કોણ?"

જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી :

"ભાવનગર રાજના ભાલ-પંથક્નો હું જમાદાર હતો. રાજ્યનું ભરણું