પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપ, તમે એકલાં કાં આવ્યાં? માને કેમ ન લાવ્યાં ?"

"અરેરે આઇ ! મા તો અલ્લુજીની કેદમા કે'વાય. જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ શેના આપે ? હું તો અધરાતે આ દીકરાને લઇને છાનીમાની નીકળી આવી, તે રસ્તામાંય ધરતી અમને માકારો કરતી'તી."

"કેમ ?"

"કેમ શું ? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગવતસંગ રહે. ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉન્નડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઊગતો સૂરજ ! એને પૂજવાનુું કોણ ભૂલે ? કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી. હજામ પીતો પીતો આવ્યો, અને થોડીવારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનનાં રખવાળાં, તે કુંવર બચી ગયા. માંડ આંહીં તમારે ખોળે પહોંચ્યાં છીએ. આઇ ! મારાં માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી !"

"ભગા ડેર !" આઇએ કહ્યું : "કુંવર ઉન્નડજીને ડેલીએ તેડી જાવ, અને કાઠીને કે'જો કે આખ્યુંનીય ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીરપહલી માગેલ છે. સાચા ધરમ-ભાઇને શોભે તેવું કરી દેખાડજો."

દાતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઇ જેમ ઓઢા ખમાણે ઊગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે -

ભલે ઊગા ભાણ ! ભાણ તુંહારાં ભામણાં,
મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત !

તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા, ઓળખાણ આપી, અને વાડારણે કહેલી આખી વાત વર્ણવી, તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઊભરાઇ. એ બોલ્યા:

"આવ્ય, બાપ ઉન્નડ, આવ્ય. તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું." એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો.

એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું.

ઉન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો. પણ ઓઢા