પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખુમાણની આંખ મહેમાન તરફ ફરી; એણે પૂછ્યું : "કેમ મેરામભાઇ ! તમારા હસવાનો મરમ શું છે ?"

"મરમ બીજો શું? તમારે કહ્યે કાંઇ ત્યાં ખોળામાં પાલીતાણાની ગાદી આવી પડે છે, ઓઢા ખુમાણ ! એ તો એમ બોલાય, પણ ભાયડા હોય તે વિચારીને બોલે."

ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા; પછી એક ઘૂંટડો પીધઓ હોય તેમ બોલ્યા :

"ખરું છે, મેરામભાઇ! લ્યો, ત્યારે આ ખોળામાં જ ઉન્નડજીને બેસાડી રાખી પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આંસોદરનું પાણી હરામ છે." એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલિ ભરીને નીચે ઢોળી, ચોપાટમાંથી ઊભા થઇ ગયા અને હુકમ કર્યો : "લાવો, મારી ઘોડી."

ધોડી પર બેસી, અંગે હથિયાર ધરી, ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉન્નડજી બિરાજે.

પોતાના બાર ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 'એક સો, એક સો ઘોડેસવાર આવીને આજ રાતે મને પાંચતોબરાને પાદર ભેગા થાય.' એ પ્રમાણે બારસો શસ્ત્રધારી યોદ્ધાનાં ઘોડાં આવીને પાંચતોબરામાં હણહણી ઊઠ્યાં. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખીને સાથેનો શુકનાવાળી મેર બોલ્યો : "આપા, જો અત્યારે ઘોડાં ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોદ્ધાને એક છોઇ ફાડ પણ ઇજા નહિ થાય. વિના જખમે પાલીતાણું લેવાશે."

ફોજ ચડી ચૂકી. પોહ ફાટતાં પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખૂલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ, અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉન્નડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળરાજાના હિતનું છે. કોઇએ સામાં શસ્ત્ર ન ઉગામ્યાં.

પણ દરબારગઢની ડેલી પર કેસર ભાથી નામનો એક રજપૂત પોતાના એંશી ઘોડેસવારોને લઇને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે