પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એને બહુ સમજાવ્યો : "કેસર, હું પાણીતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાણીતાણાનો દાણોય ન ખપે. તું ખસી જા."

"આપા ઓઢા ખુમાણ ! આજ આ બુઢ્ઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું; એક ભવમાં બે ધણી નહિ કરું." કેસર ભાથીએ એવો જવાબ દઇને અવતાર દીપાવ્યો.

ધીંગાણું જામ્યું. બન્ને બાજુ શૂરવીરો હતા; કેસરના જોદ્ધા કપાવા લાગ્યા; ઓઢાના આદમીઓ પણ ઊડવા લાગ્યા. સહુ જુદ્ધમાં તલ્લીન છે, કોઇનું ધ્યાન નથી; તેવામાં માઢ માયથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી તે અલ્લુજી એ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નડજી બંનેનો જીવ નીકળી જાત; પણ નિમકહલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બેય ઊડશે ! એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતીને ચીરી જમીનમાં પેઠી; પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઇ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું.

એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉન્નડજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે -

ઘાટોડે ઘડિયો, તુંને લૂણ તણા,
માટીઆઇએ માણા, એતી જ હૂતી ઓઢિયા,

હે લૂણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ ! તને જ્યારે પ્રભુરૂપી કુંભારે (ઘાટોડે) ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ, તને બનાવવા પૂરતી જ, માટી (મરદાનગીરૂપી) રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી.

𓅨❀☘𓅨❀☘