પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એના સાતે દીકરા સોતતો, અને શર્ત પાળી બતાવો. રજપૂત ને હું બેય પાસે રમીએ; એના સાતે દીકરાનાં ડોકાં ઊડે ; ને રમતો રમતો બાપ એની આંખો ચાંપે; ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું. જા, ગોતી આવ."

સાતે પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો. ગામોગામ ને રાજ્યેરાજમાં આથડે છે. ક્ષત્રિયોની પાસે એકસાથે સાત સાત પુત્રોનાં માથાંનો સવાલ કરે છે. જે સાંભળે છે તે હાહાકાર કરી ઊઠે છે. પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે ?

ગઢવી કાઢિયાવાડના વળા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે. વાળાએ ચારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યા.

સાતે જણે શિર ઝુકાવ્યાં. બાપુનો બોલ માથે ચઢાવ્યો. સાતે હસીને બોલી ઊઠ્યા : "બાપુ, એમાં આવડી બધી સમજાવટ શા કારણે ?"

સાત દીકરાને અને એના પિતાને સાથે લઇ ચારણ દિલ્હી નગરમાં મુદ્ત પહેલાં એક જ દિવસે આવી પહોંચ્યો. કચેરીમાં જઇને હાકલ કરી : "જય હો ક્ષત્રી જાતનો !"

પાદશાહ તાજુબ બન્યો. પણ એટલેથી ઠગાય તેવો તે પાદશાહ ન હોત. એણે સાતે ક્ષત્રીપુત્રોને બોલાવી કહ્યું :

"આ મશ્કરી ન સમજતા. કાલ સવારે તમારાં માથાં આ કચેરીમાં ટીંગાતાં હશે."

સાતે જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું.

પાદશાહે ફરી ફાંફાં માર્યાં : "બેવકૂફ બાળકો, વિચાર કરો." રજપૂતોએ હસ્યા જ કર્યું. વાળા દરબાર તરફ જોઇને ખુન્નસભર્યાં નેત્રે પાદશાહ બોલ્યા :

"દરબાર, દાન લેવાની રીત જાણો છો ?"

"જાણું છું; છતાં ફરમાવો."

"જુઓ, દાન દેતી વખત ખુશાલી રાખવી પડશે. દાતાનો એ ધર્મ છે કે કચવાતે દિલે દાન ન દેવાય, કેમ કે મંજૂર ન થાય."

"ક્ષત્રીને એમાં કાંઇ નવું નથી."

"સુણો, સુણો, કાલે સવારે આ મેડી ઉપર એક પછી એક તમારા બેટાઓનાં ડોકાં પર તલવાર પડશે. એ અવાજ તમે સાંભળશો; એ