પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંભળતાં સાંભળતાં મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે. તમારા બેટાની એક પછી એક બબ્બે આંખો હાજર થશે. તેને તમારે હસતે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે. એ દરમ્યાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુ:ખ દેખાશે, રમતમાં જરા પણ શરત ચુકાશે કે એક નિસાસો પણ નીકળશે, તો એ દાન ફોક થશે, ને હું ચારણના દીકરાનો પણ જાન લઇશ."

"સુખેથી, પાદશાહ, સુખેથી."

બીજે દિવસે સવાર પડ્યું. કચેરીમાં મેદની માતી નથી. ચોપાટ મંડાઇ. ખડખડાટ હસીને વાળાએ પાસા રોડવ્યા. સાથોસાથ પાદશાહનો હુકમ છૂટ્યો : "ચલાવો કતલ !"

'ચલાવો કતલ!'નો પોકાર પડતાં તો સાત ક્ષત્રીપુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેડી પર લઇ ગયા. ઉપલી મેડી પર 'ધડાક' એવો અવાજ થયો. જાણે એક માથું પડ્યું. બે ઘડીમાં તો બે મોટી મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારરની પાસે હાજર થયો. પાદશાહ કહે : "લ્યો દરબાર, આ તમારા મોટા દીકરાની આંખો."

દરબારે એ બે આંખોને પગ નીચે ચગદી. છૂટેલા ચારણપુત્રને માથે હાથ મેલ્યો. ને ખુશખુશાલ દિલે હસતાં હસતાં ચોપાટ આગળ ચલાવી.

બીજી વાર ધડાકો, લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો. બાપ આંખોને ઓળખી-ઓળખીને ચગદતો જાય છે. છૂટેલા ચારણપુત્રને આશીર્વાદ દઇ રમત ખેલતો જાય છે. એની આંખમાં આંસુ નથી, મોંમા નિ:શ્વાસ નથી, અંતરમાં ઉદાસી નથી.

એમ છ દીકરાની જીવનલીલા પૂરી થઇ ગઇ. પાદશાહના ચહેરા પરથી નૂર ઊડી ગયું.

ત્યાં તો સાતમો ધડાકો થયો, અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી. બાપે એ કચરી નાખી, પણ ઓચિંતાં એની આંખોમાંથી બે આંસુ દડી પડ્યાં.

"બસ. ખલાસ !" પાદશાહ ઊકળીને તાળીઓ પાડતો પોકારી ઊઠ્યો. "તમારી સખાવત ફોક ગઇ. પકડો એ સાતે ચારણોને, ને ઉડાવી