પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દ્યો સાતેનાં ડોકાં !"

વાળો રજપૂત ગરીબડો બનીને કહે : "પાદશાહ, પહેલાં મારી કથા સાંભળી લ્યો. હું રોઈ પડ્યો, તે મારા દીકરાને માટે નહિ."

"ત્યારે ?"

"આ નાનેરો બાળ મારો નથી. એ પરાય દીકરો છે, મને વિચાર આવ્યો કે અરેરે ! આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને જ મારવું પડ્યું. મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા ખેદથી જ મારાથી રોઇ જવાયું. હું સૂરજની સાખે કહું છું."

"આ સાતમો દીકરો તમારો નહોતો ?"

"સમજાવું. મારે છ જ દીકરા હતા. એક દિવસ પરોઢિયે હું ગામને પાદર દિશાએ ગયો. ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું. જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે 'આ ચારણનો બાળક છે, એના બાપને જોશીએ કહેલું કે દીકરાનું મોં જોઇશ તો આંધળો થઇશ. અમારું મવાડું અહીં નીકળેલું. અહીંયા બાળક અવતર્યો એટલે આંહીં એને રેઢો મૂકીને અમે ચાલ્યાં જઇએ છીએ.[૧] ચારણ છે, બચાવશો તો પુણ્ય થશે.' આ બાળકને હું ઘેર લાવ્યો. ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે એ મારો જ દીકરો છે. જહાંપનાહ, આજ રોઉં છું, કારણ કે એક દીકરાની ખોટે આજ એ નાનેથી ઉછેરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો."

"શાબાશ ! શાબાશ ! ગભરાશો નહિ. નથી એ ચારણ મર્યો. કે નથી મર્યો તમારો એકેય દીકરો."

"અરે પાદશાહ, હવે મશ્કરી શીદ કરો છો ?"

"પહેરેગીર ! સાતે દીકરાને હાજર કરો."

મેડી ઉપરથી સાતે દીકરા આવી ઊભા રહ્યા.

"ક્ષત્રિય બચ્ચા ! પાદશાહ લોહીનો તરસ્યો નથી. એને કસોટી કરવી હતી."


  1. હજુ પણ એ રેઢા મુકાયેલા ચારણ-પુત્રના વંશજો 'રેઢ' નામ ધરાવે છે.