પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દાન થયેલાં જાણ્યાં છે ? અને ચાંપારાજ કહીને ગયો છે કે ઘોડો ગધવીને દઇ દેજો.”

ચારન એકનો બે થયો નહિ. એ તો લાંઘણ ઉપાર લાંઘણ ખેંચવા લાગ્યો., ચાંપરાજ વાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઇને બેઠો અને બિરદવવા લાગ્યો.

આખરે ચાંપરાજ વાળાનું પ્રેત દેખાયું.ચારનને વચન દીધું કે ‘જા ગઢવ, સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રખજે, હું આવીશ.’

ચારને જઇને દરબારને વાત કરી. દરબાર હસ્યા; સમજી લીધું કે ચારણભાઇથી પેટમાં ભૂખ સહેવાતી નથી એટલે આ જુક્તિ કરી છે. આવી રીતે દાયરો ભરાશે; આપને જ ચાંપારાજ વાળાને નામે દાન કરી દેશું; ચારન ફોસલાઇ જાશે; આપણે ચારન-હત્યામાંથી ઊગરશું. ચારનને વાળું કરાવ્યું.

બીજે દિવસે સવારે દાયરો જામ્યો, ઘોડાને સજ્જ કરી લાવવમાં આવ્યો, ચારન વાટ જોઇને ઊભો. આખો દાયરો હાંસી કરવા લાગ્યો, સહુને થયું કે આ ભા થોડોક ડોળ કરીને હમણાં ઘોડો લઇ લેશે. ત્યાં તો ઉગમણી દિશા તરફ બધાની નજર ફાટી રહી.સૂરજનાં કિરણો ની અંદરથી તેજપુરુષ ચાલ્યો આવે છે. આવીને ઘોડાની લગમ ઝાલી અને ચારણના હાથમાં લગમ મૂકી વણબોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોકને માર્ગે સિધાવી ગયો !

‘ખમા ! ખમા તુંને બાપ ! ‘એવી જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો. આખો દાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો–

કમળ વિણ ભારથ કીયો, દેહ વિણ દીધાં દાન,
વાળા ! એ વિધાન, ચાંપા ! કેને ચડાવીએ ?[6]

[માથા વિના જુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધાં: એવાં બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ , ચાંપારાજ વાળા ? એ તો એકલા તને જ ચડાવાય]

મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો.