પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અરે હોય નહિ! આ લે! આ લે!"

હું ભેણી ને તું ભા, સગા! આદુનો સંબંધ,

કવચન કાછેલા! કિયે અવગણે કાઢિયું! (૧)

<poem>


હે રાજા! ચારણી એટલે બહેનઃ ને તું ક્ષત્રિય એટલે ભાઈઃ ચારણ-રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધઃ છતાં હે કચ્છમાંથી જાડેજા રાજા (કાછેલા)! તેં 'ભાભી' એવું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું?

સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી, 'લેતો જા! બાપ, લેતો જા!' એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યોઃ

<poem>સંચેલ ધન ચારણ તણાં, જરશે નજિ જસા,
અજરો રે અસા, લોઢું લાખણશિયડા! (૨)

જે જામ લાખા! આ તો ચારણા રૂપ-રૂપી ધનઃ એ તને નહિ પચે. આ તો લોઢું કહેવાય એનો તને અપચો થશે.

જામ ઘોડો દોડાવ્યે જાય છે. નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે. એના મોંમાંથી દુહો ગાજે છેઃ

ચમકપાણ લોહ ઓખદી, પાનંગ વખ પરાં,

અમરત ખાધે ન ઉતરે, ચારણ-લોઈ બરાં! (૩)

લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છેઃ પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે તેવાં બૂરાં તો ચારણનાં લોહી છે.

નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા, મોંમાં તરણું લઈને બોલ્યાઃ "માતાજી, મને પારકાએ ભુલાવ્યો. હવે ક્ષમા કરો."

"હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજેઃ આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડિશ નહિ."