પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

સાંઈ નેહડી


મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા.

સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઇ ન જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દૂબળા ગળાની હાવળ દીધી.

સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઊઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું: "કોણ?"

જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઇ અસવાર બોલાશ ન આવ્યો.

નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી. ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો.

"માથે કોણ છે, મારા બાપ?" કહીને બાઇએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢોહીમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે.

વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો.

"જે હોય ઇ! નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે."