પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શેક્યું, શેક્યું, પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવ તો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે.

"શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો, તે શું બેઠો નહિ થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમાં કુળનાં પખાં અને આ હત્યા શું મારે માથે ચડશે?"

ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે.

ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ.

"ફકર નહિ! દીવો તો નથી, પણ ઇશ્વર પંડે તો અંધારેય ભાળે છે ને! ફકર નહિ. આ મળમૂતરની ભરેલી કૂડી કાયા ક્યાં કામ લાગશે? અને આ મડું છે, મારું પેટ છે, ફકર નહિ."

જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબું કર્યું. કામળીની સોડ તાણી લીધી, પોતાની હૂફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી.

ધીરે-ધીરે-ધીરે ધબકારા વધ્યા. અંગ ઊનાં થવા લાગ્યાં, શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી લૂગડાં સંભાળ્યાં. ટોયલી ભરીભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું.

પ્રભાતે પુરુષ બેઠો થયો. ચકળવકળ ચારેય બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું: "હું કોણ છું? તમે કોણ છો, બોન?"

"તું તારી ધરમની બોનને ઘેર છો, બાપ! બીશ મા."

બાઇએ બધી વાત કહી. આદમી ઊઠીને એના પગમાં પડી ગયો. બાઇએ પૂછ્યું, "તું કોણ છો, બાપ?"

"બોન, હું એભલ વાળો."

"એભલ વાળો? તળાજું? તું દેવરાજા એભલ!"

"હા, બોન. એ પંડે જ. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું."