પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તારી આ દશા, બાપ એભલ?"

"હા, આઇ, સાત વરસે હું આજ મે'વાળી શક્યો!"

"શું બન્યું'તું, ભાઇ!"

"તળાજા માથે સાત દુકાળ પડ્યા, આઇ! મારી વસ્તી ધા દેતી હતી. આભમાં ઘટાટોપ વાદળ, પણ ફોરુંય ન પડે. તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે: તેમાં એજ્ક કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર હાલે ત્યાં લીલાં તરણાંની કેડ ઊગતી આવે છે. આ કૌતુક શું? પૂછતાં પૂછતાં વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપાવવા સાટુ શ્રાવકના કોઇક જતિ પાસે દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી, ડગળી બંધ કરી, બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મે' વરસે. સાંભળીને હું ચડ્યો, બોન! જંગલમાં કાળિયારનો કેડો લીધો. આઘે આઘે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું, ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી."

"વાહ રે, મારા વીરા! વારણાં તારાં! વઘ્ન્યાં બાપનાં! અમર કાયા તપજો વીર એભલની!"

"તારું નામ, બોન?"

"સાંઇ નેહડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઊતર્યો છે, બાપ! સાત વરસ વિજોગનાં વીત્યાં; હવે તો ભેંસુ હાંકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે, હો! તારી વાત સાંભળીને એને ભારી હરખ થાશે, મારા વીરા!"

"બોન! આજ તો શું આપું? કાંઇ જ નથી. પણ વીરપહલી લેવા કોક દી તળાજે આવજે!"

"ખમ્મા તુંને, વીર! આવીશ."

આરામ થયે એભલ વાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો.