પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાત વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે. નદીનેરાં જાય છે ખળખળ્યાં. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકાભરી સાંઇ નેહડીએ એભલ વાળાની વાત કહી સંભળાવી. ગામતરેથી આવતાં તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઊભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પડોશીએ ફૂંકી દીધું કે 'કોઇ પારકા મરદને તારી અસ્ત્રીએ સાત દી સુધી ઘરની અંદર ઠાંસેલો!'

ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઇ ગયું. પોતાની કંકુવરણી ચારણી પર એ ટાણે કટાણે ખિજાવા મંડ્યો; છતાં ચારણી તો ચૂપ રહીને જ બધાં વેણ સાંભળ્યે જતી. એને પણ વાતની સાન તો આવી ગઈ છે.

એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આઉમાં પહોંચ્યું. ચારણ ખિજાયો. એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી. ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું: "તારા હેતુને કોને સંભારી રહી છો?" હાથમાં શેલાયું(નોંજણું) હતું. તે લઈને એને સાંઇના શરીર પર કારમો પ્રહાર કર્યો.

ચારણીના વાંસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડી વાર એ અબોલ રહી, પણ પછી એનાથી સહેવાયું નહિ. દૂધના બોઘરામાંથી અંજળિ ભરીને આથમતા સૂરજ સંમુખ બોલી: "હે સૂરજ! આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ! હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો, ડાડા!" એમ કહીને એણે ચારણ ઉપર અંજળિ છાંટી. છાંટતાં તો સમ! સમ! સમ! કોઇ અંગારા છંટાણા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઊઠ્યા. ભંભોલા ફૂટીને પરુ ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીનાં નેણાં નીતરવા લાગ્યાં.

થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું, લોહી શોષાઇ ગયું. આસું સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી, અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી, કંડિયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી.