પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજા એભલને ખબર કહેવરાવ્યા. રાજાએ બહેનને ઓળખી. આદર સત્કારમાં ઓછપ ન રાખી; પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી.

એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી.

બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો.

"બોન! બાપ! આ દશા?"

"હા બાપ! મારા કરમ!"

"હવે કાંઇ ઉપાય?"

"તેટલા માટે જ તારી પાસે આવી છું."

"ફરમાવો."

"બની શકશે?"

"કરો પારખું!"

"ઉપાય એક જ, ભાઇ! બત્રીસલક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે."

"વાહ વાહ! કોણ છે બત્રીસલક્ષણો? હાજરકરું."

"એક તો તું, ને બીજો તારો દીકરો અણો."

"વાહ વાહ બોન! ભાગ્ય મારાં કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ."

ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું: "બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દ્યો."

બાપે પોતાને સગે હાથે જ તરવાર ચલાવી. પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો, એભલે પ્રાણ સાટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યાં.

આજ પણ સાંઇ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આઘે ચારણોના