પૃષ્ઠ:Rasdhar 1.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

જટો હલકારો

બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા.

એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ જામી પડી છે. કોઇના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઇ મોટાં નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુળસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક અંજળિ વહેંચાશે એની આશાએ આ ભૂલકાં નાચી રહ્યાં છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે.

મોટેરાંઓ પણ ધાવણાં છોકરાંને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠાં છે. કોઇ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે.

"આજે તો સંધ્યા જરાય ખીલી નથી." એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુ:ખ હોય એવે હળવેથી સંભળાવ્યું.

"દૃશ્યું જ જાણે પડી ગઈ છે." બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો.

"કળજુગ! કળજુગ! રત્યું હવે કળજુગમાં કૉળતી નથી, ભાઇ! ક્યાંથી કૉળે!" ત્રીજો બોલ્યો.

"ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે! દશ વરસ ઉપર તો શું તેજ કરતું!" ચોથે કહ્યું.

ચોરામાં ધીરે સાદે ને અધમીંચી આંખે બુઢ્ઢાઓ આવી વાતે વળગ્યા