પૃષ્ઠ:Rasdhar 1.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે, તે ટાણે આંબલા બજાર સોંસરવા બે માનવી ચાલ્યાં આવે છે: આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે, સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો; પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી.

રજપૂતે જ્યારે દાયરાને રામરામ ન કર્યા ત્યારે ગામલોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે. દાયરે એને ટપાર્યો: "બા, રામરામ!"

"રામ!" તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે.

એકબીજાના મોં સામે જોઇને દાયરાનાં માણસોએ સાદ કર્યો: "અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે?"

"આઘેરાક." જવાબ મળ્યો.

"તો તો, ભાઇ રાત આંહી જ રોકાઇ જાવ ને?"

"કાં? કેમ તાણ કરવી પડે છે, બા?" મુસાફરે કતરાઇને વાંકી જીભ ચલાવી.

"બીજું તો કાંઇ નહિ, પણ અસૂર ઘણું થઈ ગયું છે, ને વળી ભેળાં બાઇ માણસ છે. તો અંધારામાં ઠાલું જોખમ શીદને ખેડવું? વળી, આહીં ભાણે ખપતી વાત છે : સહુ ભાઇયું છીએ. માટે રોકાઈ જાવ, ભા!"

મુસાફરે જવાબ દીધો, "બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું, ઠાકોરો! મરદોને વળી અસૂર કેવાં! હજી તો કોઇ વડિયો દેખ્યો નથી."

તાણ કરનારા ગામલોકોનાં મોં ઝંખવાણા પડી ગયાં. કોઇએ કહ્યું કે "ઠીક! મરવા દ્યો એને!"

રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યાં.

વગડા વચ્ચે ચાલ્યાં જાય છે. દિવસ આથમી ગયો છે. આઘે આઘેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય