પૃષ્ઠ:Rasdhar 1.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ દૂરના ગામડાંના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઇક દેખતાં હોય અને વાચા વાપરીને એ દીઠેલાંની વાત સમજાવવા મથતાં હોય તેમ પાદરના કૂતરાં ભસી રહ્યાં છે.

મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઇ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી, હાથમાં ઘુઘરાળું ભાલું લઈને અડબુથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી, ફાટેલા મ્યાનવાળી તરવાર ટીંગાય છે. દુનિયાના શુભ-અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણિઓની ધણિઆણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહિ, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે.

જોતજોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. બેય જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું, એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રીજાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં બેય જણાં સાથે ચાલવા લાગ્યાં.

રજપૂત થોડાં કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઇને એણે પાછળ જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે-ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી.

બાઇએ કહ્યું: "મારા પિયરનો હલકારો છે, મારો ભાઇ છે."

"હવે ભાળ્યો તારો ભાઇ! છાનીમાની ચાલી આવ! અને મા'રાજ, તમે પણ જરા માણસ ઓળખતા જાવ!" એમ કહી રજપૂતે જટાને તડકાવ્યો.

"ભલે બાપા!" એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો.

જ્યાં રજપૂતે જોડેલું આઘેરાક નહેરામાં ઊતરે છે, ત્યાં તો એકસામટા