પૃષ્ઠ:Rasdhar 1.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાર જણાએ પડકારો કર્યો કે "ખબરદાર, તરવાર નાખી દેજે!"

રજપૂતના મોંમાંથી બે-ચાર ગાળો નીકળી ગઈ. પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી. વાટ જોઇને બેઠેલા આંબલા ગામના કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો, બાંધીને દૂર ગબડાવી દીધો.

"એ બાઇ, ઘરેણાં ઉતારવા માંડ." લૂંટારાએ બાઇને કહ્યું.

અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડાં પડવાં લાગ્યાં. એની ઘાટીલી, નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી. પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા, ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ.

"અલ્યા, પછાડો ઇ સતીની પૂંછડીને!" કોળીઓએ અવાજ કર્યો.

અંધારામાં બાઇએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા.