પૃષ્ઠ:Rasdhar 1.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એ જટાભાઇ!" બાઇએ ચીસ પાડી: "દોડજે."

"ખબરદાર એલા! કોણ છે ત્યાં?" એવો પડકાર કરતો જટો તરવાર ખેંચી જઈ પહોંચ્યો. બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તરવાર ચલાવી, સાત કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓના મે વરસે છે. પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહિં. બાઇએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા, તે પછી જટો તમ્મર ખાઇને પડ્યો.

બાઇએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઊઠીને તરત રજપૂત કહે છે કે "હાલો ત્યારે."

"હાલશે ક્યાં? બાયલા! શરમ નથી થાતી? પાંચ ડગલાં હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ માટે મરેલો પડ્યો છે; અને તું-મારા ભવ બધાનો ભેરુ-તને જીવતર મીઠું થઈ પડ્યું! જા ઠાકોર, તારે માર્ગે. હવે આપણા-કાગ ને હંસના-સંગાથ ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ્ય તાણીશ."

"તારા જેવી કૈંક મળી રહેશે." કહીને ધણી ચાલી નીકળ્યો.

જટાના શબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડાં વીણી લાવીને ચિતા ખડકી, શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી; દા પ્રગટાવ્યો. બન્ને જણાં બળીને ખાખ થયાં. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબૂકતા હતા.

આંબલા અને રામધરી વચ્ચેના એક નેહરામાં આજ પણ જટાનો પાળિયો ને સતિનો પંજો હયાત છે.


𓅨❀☘𓅨❀☘