પૃષ્ઠ:Rasdhar 1.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મારે પન એ જ મારગ છે. ચાલો."

ચાઊસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જાતો હતો. બેય જણા ચાલતા થયા. તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું, "સેઠ, કાંઇ જોખમ તો પાસે નથી ને?"

"ના રે બાપુ! અમે તો જોખમ રાખીએ! પંડેપડ જ છું."

આરબે ફરી કહ્યું, "સેઠ, છુપાવશો નહિ. હોય તો મારા હાથમાં સોંપી દેજો, નીકર જાન ગુમાવશો."

"તમારે ગળે હાથ, જમાદાર, કાંઇ નથી."

શેઠના ખડિયામાં ડાબલો હતો. ને ડાબલામાં બે-ત્રણ હજાર રૂપિયાનું ઘરેણું હતું.

બન્ને આગળ ચાલ્યા. આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના બાર જુવાનોને લઈને ઓડા બાંધી ઊભેલો છે.

આ જમદૂતોને દૂરથી આવતા જોતાં જ શેઠના રામ રમી ગયા; એનો સાદ ફાટી ગયો. એનાથી બોલી જવાયું, "મારી નાખ્યા, ચાઊસ! હવે શું કરશું?"

"કેમ? આપણી પાસે સું છે, તે લૂંટશે?"

"ચાઊસ, મારી પાસે પાંચ હજારના દાગીના છે."

"હ-ઠ્ઠ બનિયા! ખોટું બોલ્યો હતો કે! લાવ હવે ડબો કાઢીને જલદી મને આપી દે, નહિ તો આ કોળીઓ તારો જાન લેશે."

વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો, આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરોનજર જોયું. અને છેટેથી બૂમ પાડી, "ઓ ચાઊસ, રહેવા દે રહેવા, નહિ તો તું નવાણિયો કુટાઇ ગયો જાણજે."

"સેઠ!" ચાઊસે કહ્યું, "હવે તું તારે ઘોડી હાંકી મૂક. જા, તારી જિંદગી બચાવ; મને એકને મરવા દે."

વાણિયે ઘોડી હાંકી મૂકી. એને કોળીઓએ ન રોક્યો. એ તો આરબને જ ઘેરી વળ્યા અબે હાકલ કરી, "એલા ચાઊસ, હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે?"