પૃષ્ઠ:Rasdhar 1.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાઊસ કહે, "હમ ઉસકા અનાજ ખાયા."

"અરે, અનાજ નીકળી જશે. ઝટ ડબરો છોડ!"

"નહિ, ઉસકા અનાજ ખાયા."

"અરે ચાઊસ, ઘરે છોકરાં વાટ્ય જોઈ રે'શે."

"નહિ, ઉસકા અનાજ ખાયા."

કોળીઓએ ચાઊસનો પીછો લીધો, પણ ચાઊસની નજીક જવાની કોઇની હિઁમત ન ચાલી, કારણ કે ચાઊસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી. કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય.

હમાચામાં દાગીનાનો ડબરો છે, હાથમાં બંદૂક છે, અને આરબ ઝપાટાભેર રસ્તો કાપતો જાય છે, આઘે આઘે કોળીઓ ચાલ્યા આવે છે; જરા નજીક આવીને કામઠાં ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે; આરબ એ ખૂંતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી, ભાંગી, ફેંકી દેતો જાય છે. કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે. એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે. અને આરબ રસ્તો કાપતો જાય છે.

પણ આરબ શા માટે બંદૂકનો બાર નથી કરતો? કારણ કે એ ભરેલી દારૂગોળી સિવાય, બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કાંઇ સાધન નથી. માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે.

ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા. કોળીઓએ જાણ્યું કે આરબ જોતજોતામાં ગામની અંદર પેસી જશે. ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઊઠ્યો, "અરે શરમ છે! બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે! ભૂંડા લાગશો! બાયડિયુંને મોઢાં શું બતાવશો?"

આ વેણ સાંભળતાં તો કોળીઓ આરબ પર ધસ્યા. આરબે ગોળી છોડી. ગીગાના ભાણેજની ખોપરી વીંધી, લોહીમાં નાહી-ધોઇને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. એ તો આરબની ગોળી હતી!

પણ આરબ પરવારી બેઠો, અને કોળીઓ એના પર તૂટી પડ્યા.