પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આરબના હાથમાં રહ્યો કેવલ એક જમૈયો. સાત કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવાડ્યા, ત્યાં તો ગામ નજીક આવી ગયું, ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા.

લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલાં માંડે છે. એની આંખો પર લોહીના થર બાઝી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. એને રસ્તો દેખાતો નથી. ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઊતર્યો અને એક વીરડા ઉપર લોહિયાળ મોઢું ધોવા બેઠો.

નદીને સામે કાંઠે આંકડિયા નામનું ગામ હતું. આઈ જાનબાઇની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વીકોભાઇ બેઠેલા. એની નજર પડી કે કોઇ લોહીલુહાણ, જખ્મી આદમી પાણી પીવા બેઠો છે. વીકોભાઇ એની પાસે આવ્યો. ત્યાંતો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડી ઊઠ્યો કે, "ચોર! ચોર!"

વીકભાઇએ આરબને ટાઢો પાડ્યો, એનું શરીર સાફ કર્યું. ઘેર લઈ ગયા. પડદો રાખ્યો. હોશિયાર વાળંદને બોલાવી જખ્મો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ કરવા લાગ્યા.

વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો. વીકાભાઇને કહેવરાવ્યું કે "મારો ચોર સોંપી દિયો; નહિ તો ગામના ચારેય પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ."

વીકાભાઈ કહે, "ગીગા, શરણે આવેલાને ન સોંપાય. હું ચારણ છું."

ગીગો કહે, "મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે. માટે સોંપી દ્યો. નીકર તમારી આબરૂ નહિ રહે."

વીકાભાઇના સાઠ રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે, "તો ગીગલા, થઈ જા માટી! અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ જઈશ?"

ગામ આખું ગરજી ઊઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો. દિવસ ગયા આરબને આરામ થયો. પણ સૂતાં કે બેસતાં આરબ પોતાનો હમાચો છોડતો નથી. આરામ થયે એણે વીકાભાઇની રજા માગી.