પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વીકાભાઇ પૂછ્યું, "ચાઊસ! રસ્તામાં વાપરવાની કાંઇ ખરચી છે કે?"

ઓછાબોલો ચાઊસ ફક્ત એટલું જ બોલ્યો, "નહિ."

વીકભાઇ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માગણી કરે છે. બન્ને જણા ખોપાળે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઊપડી હતી. દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું, અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલાં એને નીંદર આવે તેમ નહોતું.

ત્યાં તો ખોપાળાની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું, "શેઠ, આ તમારા દાગીના જલદી ગણી લ્યો."

વીકાભાઇની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે, "અરે ચાઊસ! આટલી બધી મૂડી બગલમાં હતી તોયે કેમ કહેતા હતા કે પાસે કાંઇ નથી?"

આરબે ઉત્તર દીધો કે, "એ તો પારકી થાપણ."

વીકોભાઈ બોલ્યા, "રંગ છે તારી જનેતાને, ચાઊસ!"

એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહિ, પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે આરબને બક્ષિસ આપવા માંડી-રૂપિયા પાંચ! આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા.

શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વીકોભાઇ બોલ્યા, "કમજાત! વ્યાજના ખાનારા! તારા પાંચ હજારના દાગીના ખાતર મરવા જનારને પાંચ રૂપરડી આપતાં તું શરમાતો નથી?"