પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વીકાભાઇનું નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે. વડોદરાના મહારાજા ફતેહસિંહરાવના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ થતાં એક વખત મહારાજાના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને તેડવા ગયા, તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો.

શેઠ-શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યાં આવે છે. બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે.

શેઠાણીએ આરબને કહ્યું: "ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો ને!"

ચોપાસ સૂનકારભરી સીમ જોઈને ચાઊસે જવાબ દીધો: "અમ્મા, રથ છોડીને તો હું નહિ જાઉં!"

"અરે, ચાઊસ, ગાંડા છો? એટલી વારમાં આંહીં કોણ આવી ચડે છે?"

અચકાતે હૈયે, ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઊતર્યો. બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી. હેબતાઇ ગયેલ ગાડાખેડુએ આંગળી બતાવીને કહ્યું, "ઓ જાય ઊંટ ઉપર ચડેલા બે સંધીઓ-બંદૂક અને શેઠાણી બેયને લઈને."

વાવના પથ્થર પર માથું પટકાવીને આરબ ચીસો પાડવા લાગ્યો. પણ બંદૂક વિના એનો ઇલાજ નથી રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો. રજપૂતે આરબને આક્રંદ કરતો જોઇ, વાત સાંભળી, ઘોડી ઉપરથી ઊતરીને રજપૂતે કહ્યું, "આ લે, ચાઊસ, તાકાત હોય તો ઉપાડ આ બંદૂક, ચડી જા મારી ઘોડી માથે; પછી વિધાતા જે કરે તે ખરું."

વીજળીના ઝબકારાને વેગે આરબે ઘોડી પર છલાંગ મારી, હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોતજોતામાં સંધીના ઊંટની પાછળ