પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આરબની ઘોડીના ડાબલા ગાજ્યા.

ઊંટ પર એક સંધી મોકરે બેઠો છે; બીજો એક પછવાડેના કાંઠામાં બેઠો છે; અને વચ્ચે બેસાડેલાં છે શેઠાણીને. આરબ મૂંઝાણો. એ શી રીતે ગોળી છોડે! પાછલાને ગોળી મારતાં શેઠાણી પણ વિંધાઇ જાય તેવું હતું. આરબ મૂંઝાય છે.

પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરેના સવારને કહ્યું, "ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વયા આવનાર ઘોડેસવારને હું પૂરો કરું."

જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સનનન કરતી આરબની અણચૂક ગોળી છૂટી; છૂટ્યા ભેળો તો મોખરેનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ ઉપર - અને ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળિએ પછવાડેનો સંધી ઠાર થયો. શેઠાણીને અને શેઠાણીના પચાસ હજારના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો.

બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે, બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઇને જ એ હાલેચાલે છે.

ફરી એક વાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજાને શિકાર ખેલતાં સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે.

પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વરસોવરસ મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢ્ઢો આરબ હતો. દરેકે દરેક રાજમાં જો મહારાજા સરકાર થાય તો વસ્તીને તેમ જ રાજને હાડમારીની હદ ન રહે; એટલે રાજાઓ પોતે જ સીધાદોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા. આ વખતે ગાયકવાડનું દેરાતંબૂ લીંમડી મુકામે તણાયા છે.

બુઢ્ઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે, એનો જીવનદાતા વીકોભાઇ. પણ એ નામ આરબ ભૂલી ગયો છે; ગામનું નામ પણ યાદ નથી, 'ઇકડી' 'ઇકડી' કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનું થોડુંક કરજ ચુકાવું.