પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક દિવસ રાજાએ કચેરી ગાયકવાડના તંબૂમાં ભરાયેલી છે. જરિયાની ચાકળા પર આરબનું આસન છે; પણ આરબ ઊઠીને બહાર ગયેલ. તેવામાં વીકાભાઇ તંબૂમાં આવી પહોંચ્યા. અને વીકાભાઇએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું. જોતાં જ મહારાજા ફત્તેહસિંહની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ અંદર આવ્યો. આઘેથી જોતાં જ વીકાભાઇને ઓળખ્યા.

"ઓ મારા જીવનદાતા! મારા બાપ!" કરતો દોડીને આરબ વીકાભાઇને ચરણોમાં ઢળી પડ્યો. મહારાજાને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા.

મહારાજાએ જાહેર કર્યું, "આ વીકાભૈ જે રાજાના હામી (જામીન) થાય તેની પેશકશ અમે ખમશું." ત્યારથી પ્રત્યેક રાજમાં વીકાભાઇને મોટાં આદરમાન મળવા લાગ્યાં. નાંણાનો પણ તોટો ન રહ્યો. આજ એની ત્રીજી પેઢી આંકડિયાના અરધા ભાગનો ભોગવટો કરે છે. આ લગભગ સંવત ૧૯૧૫ની વાત છે.


𓅨❀☘𓅨❀☘