પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પહેલી આવૃત્તિ

મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિ:શ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીરમાં જવું પડે છે?'

એવું આકરું મેણું પામેલા કાઠિયાવાડની - આ સૌરાષ્ટ્રની - પૂરી તો નહિ, પણ બની તેટલી પિછાન આપવાનો 'રસધાર'નો અભિલાષ છે.

સૌરાષ્ટ્રના મર્મભાવો આજે કાંઈ પહેલવહેલા પ્રકાશમાં આવે છે એવું નથી. દસદસ વરસ થયાં, કે કદાચ તેથી ય વધુ સમયથી, 'ગુજરાતી' પત્રના અંકોમાં સૌરાષ્ટ્રની પ્રાચીન કવિતાનો ઝરો ચાલુ જ રહ્યો છે. એનાં બિન્દુઓ ચાખ્યા પછી જ ઘણેભાગે એ રસ-માધુરીનો વધુ સ્વાદ બીજાઓને લાગ્યો હતો.

ત્યાર પછી 'કાઠિયાવાડી જવાહિર'ના પ્રયોજક સદ્ગત ખીમજી વસનજીએ પણ એ પ્રવાહની અંદર પોતાની નાની-શી નીક મિલાવી હતી. પણ નવા સાહિત્યના પ્રચંડ વેગમાં તે વખતે આપણો લોકસમુદાય તણાતો હતો. પ્રાચીનતા પ્રત્યે અતિશય અણગમો વ્યાપેલો હતો. પુનરુત્થાનનો યુગ હજુ નહોતો બેઠો.

ત્યાર પછી શ્રી કહાનજી ધર્મસિંહે 'કાઠિયાવાડી સાહિત્ય' નામના કાઠિયાવાડી દુહાઓના બે સંગ્રહો વાટે એ વહેણને જોશ દીધું. કમભાગ્યે એ સુંદર સંગ્રહની અંદર અર્થો સમજાવવનું રહી ગયું છે.

ત્યાર પછી શ્રી હરગોવિંદ પ્રેમશંકરે 'કાઠિયાવાડની જૂની વાર્તાઓ' પ્રગટ કરી. 'ગુજરાતી'માં પ્રસિદ્ધ થયેલી થોડીક વાર્તાઓ