પૃષ્ઠ:Rasdhar 1.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપરાંત પોતાની પાસેનો ઘણો સંગ્રહ તેમણે ગુજરાતી આલમને ધરી પોતાના અનેક વર્ષોના સાહિત્ય-પરિશ્રમને સફળ કર્યો.

પોરબંદરને તીરેથી પણ સુંદર ને સુવ્યવસ્થિત પ્રયાસ થયો. શ્રી જગજીવન પાઠકે 'મકરધ્વજવંશી મહીપમાળા' નામના નાનકડા પુસ્તકમાં 'જેઠવા વંશ'ના અતિ પ્રાચીન પૂર્વજોની હકીકતો ઇતિહાસનાં દટાયેલાં ખંડેરોમાંથી ખોદી કાઢી. ઘણે સ્પષ્ટરૂપે પ્રગટ કરી, એ માટીના પડેપડમાં બાઝેલું મનોહર સાહિત્ય સંક્ષેપમાં સાફ કરીને અજવાળે આણ્યું, છતાં જેઠવાઓની અદ્ભુત પ્રેમ-શૌર્ય કથાઓ હજુ પૂરેપૂરી પ્રગટ નથી થઈ. બરડાની બખોલોમાં કંઈ કંઈ મીઠા ઝરાઓ હજુ સંતાતા સંતાતા વહેતા હશે. એક દિવસ કોઈ ભોમીઓ આપણને એ બતાવશે.

આ 'રસધાર'ની અંદર જરા જુદો માર્ગ પણ લેવાયો છે. સૌરાષ્ટ્રની કેટલીએક કવિતા કેટલીએક શૌર્યવંત વ્યક્તિઓના ઇતિહાસની સાથે આલિંગીને ઊભી છે. બધીજ કવિતાઓ કોઈ નાલાયક પુરુષોની નથી. ગોહિલકુળ, જેઠવાકુળ, ઝાલાકુળ અથવા ખાચર ખુમાણ વગેરે નામાંકિત કાઠી-કુળોના એ બધા પુરુષો મહાન હતા. તેઓની જીવનકથાઓ, વિના-કવિતાએ પણ કવિતા સરખી જ રસવતી છે. જ્યાં જ્યાં જીવનની મહત્તા, ત્યાં ત્યાં કવિતા સરખી જ રસવતી છે. જ્યાં જ્યાં જીવનની મહત્તા, ત્યાં ત્યાં કવિતા તો સદાય પોતાની મૌન-વીણા લઈને બેઠેલી જ હોય છે.

હિમાલયનાં બરફ-શિખરો ઉપર સૂર્યનાં કિરણો પડે, અને વિગલિત બનીને ધારારૂપે વહેવા લાગતું એ બરફ-શિખર કદી ન ગાયેલું એવું કલકલ ગાન કરવા લાગે છે; એવી રીતે ઇતિહાસની અંદર પણ ચારણનાં કલ્પના-કિરણોનો સ્પર્શ થતાં, એવું જ અદ્ભુત એક ગાન ઊઠે છે. 'રસધાર'ની અંદર એકલી કલ્પના નથી ગાતી; ઇતિહાસને એ ગવરાવી રહી છે.

દુહાઓનું સાહિત્ય કેટલુંક બહાર આવ્યું છે; પરંતુ ગીતો, કવિતા અને છંદોનું સાહિત્ય હજુ પ્રસિદ્ધિ નથી પામ્યું. એ બધું સાહિત્ય પ્રગટ