પૃષ્ઠ:Rasdhar 1.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવાનો 'સૌરાષ્ટ્ર'નો મનોરથ છે; જ્યાં સુધી આ સંગ્રહ ચાલી શકે ત્યાં સુધી પ્રતિવર્ષ 'રસધાર' દ્વારા એ મનોરથ પાર ઊતારવાની ઉમેદ છે. વાચકોએ સમજવા યત્ન કરશે, તો એમાંથી પણ રસનાં ઝરણાં છૂટશે.

એક-ની-એક જ વાત કહેવાની છે, કે પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દની આ એક પિછાન દેવાનો પરિશ્રમ છે. સૌરાષ્ટ્ર પોતાનાં પાંચ રત્નો વડે જ બીજા પ્રાંતોથી જુદો પડે છે અથવા ઊંચો ચડે છે, એમ નથી. સૌરાષ્ટ્રની વિશિષ્ટતા તો અનેક છે. સૌરાષ્ટ્ર એક અને એકલો જ છે. સૌરાષ્ટ્ર બે નથી. સૌરાષ્ટ્ર જેટલો જીવતો દેખાય છે તેથી અનેકગણો તો એ દટાયેલો પડ્યો છે.

આજથી બરાબર એક વરસ પહેલાં 'સૌરાષ્ટ્ર'ની અંદર ચાર વાર્તાઓ પ્રગટ થયેલી. 'રસધાર'નો ઝરો તે વખતથી શરૂ થયો. એ વાર્તાઓને મળેલા લોક-સત્કારથી જ 'રસધાર'ને પુસ્તકાકારે પ્રયોજવા પ્રેરણા થઈ એ મંગળમુહૂર્તનું ને પ્રેરણાનું માન હડાળના વિદ્વાન તેમ જ રસજ્ઞ દરબારશ્રી વાજસૂર વાળાને ઘટે છે. 'ચાંપારાજ વાળો' ને 'ભોળો કાત્યાળ' એમની જ કહેલી વાતો છે. કેટલાયે વાચક-યુગલોની આંખોમાંથી આંસુ પડાવનાર 'આહીરની ઉદારતા' અને 'પ્રબળ પાપનું પરિણામ' પણ એમણે જ લખી મોકલેલી બે વાતો. 'રસધાર'ના આરા પર એમનું નામ કાયમ અંકાયેલું રહેશે.

ત્યાર પછી 'આનું નામ તે ધણી' અને 'રંગ છે રવાભાઈને' એ બે મહામોલી ભેટ ધરનાર અમારા સ્નેહીભાઈ પોપટલાલ છગનલાલ વડોદ (દેવાણી)વાળા છે. સૌરાષ્ટ્રની રજપૂત કોમને માટે પ્રીતિની જે આગ એમના દિલમાં ભરી છે તેના જ આ બે તણખાઓ ગણી શકાય.

વળા રાજ્યના વિદ્વાન રાજકવિશ્રી 'ઠારણભાઈએ 'રાવળ જામ ને જેસા જમાદાર' તથા 'રાયસિંહજી'ની કાવ્યબદ્ધ કિંમતી વાતો સ્વહસ્તે લખી મોકલેલી, અને પોતાની પાસેનો ગીત-કવિતાનો મોટો ખજાનો અમારી પાસે ધરી દીધેલો; એમાંથી પણ અમે ઉપયોગ કર્યો છે. એ