પૃષ્ઠ:Rasdhar 1.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રૌઢ પ્રવીણ કવિશ્રીને કંઠથી ગાજતી ચારણી કવિતા સાંભળવી, એ એક જીવન-લ્હાણ છે. એવા કવિઓની આજે સૌરાષ્ટ્રમાં ખેંચ છે: જોડકણાં જોડનારા ચારણોનો રાફડો ફાટ્યો છે.

લીંબડીના રાજકવિ શ્રી શંકરદાનભાઈ તો 'સૌરાષ્ટ્ર'ની આ પ્રવૃત્તિ પર સદા ઓછા ઓછા જ થતા આવ્યા છે. 'રસધારની' અશુદ્ધિઓ શુદ્ધ કરવા તેમ જ કેટલીએક વાર્તાઓને લગતું દુહા-કવિતા વગેરે સાહિત્ય મેળવી આપવા તેઓ કાયમ હર્ષભેર આતુર રહે છે.

કાઠિયાવાડની ચારણ કોમના મુરબ્બી મનાતા એ પ્રખર વૃદ્ધ કવિ શ્રી પીંગળશીભાઈ, જે આજે ભાવનગરના રાજકવિપદને શોભાવી રહ્યા છે, એમની મમતાને તો 'રસધાર' શી રીતે ભૂલે ? કલાકોના કલાક સુધી બેસી બેસીને અતિ ધીરજ પૂર્વક અને રસભેર એમણે 'રસધાર'ના વહેણનો ખરબચડો માર્ગ સરખો કરી આપ્યો, ને પત્ર વ્યવહારથી પુછાવેલી હકીકતોના પણ વિના કંટાળ્યે ખુલાસાઓ મોકલ્યા. 'રા' નવધણ'ની વાર્તા એમની કહેલી છે; 'સેજકજી'ની અંદર યોજાયેલ છંદો પણ એમની જ મધુર કૃતિઓ છે.

'ગોકુળિયું નાનું ગામડિયું' વગેરે મનમોહક પદો રચી કોઈ પુરાણા ભક્તકવિની ભ્રાંતિ કરાવનાર, ગામડિયા લોકોને ગાવા માટે ભક્તિભર્યાં ગીતો રચી ગામડે ગામડે ચટક લગાડનાર આ પીંગળશી કવિ સૌરાષ્ટ્રમાં એક છે - બે નથી. આશા રાખીએ છીએ કે એમણે જે આપ્યું છે તેની વિશેષ જાણ થાય, અને જીવનના આ સંધ્યાકાળે એ કવિ વધુ ને વધુ ભજનો લલકારે.

આ ઉપરાંત કવિ કનરાજે પોતાને પાસેનો આખો દુહા-સંગ્રહ ઉપયોગને માટે અમને આપી દીધો; તેમનો ઉપકાર માનવો અમે ચૂકી શકતા નથી.

કાઠિયાવાડના ક્ષત્રીઓના કિરીટરૂપ કૅપ્ટન જોરાવરસિંહભાઈએ આ 'રસધાર'માં અનેક રીતે સહાય કરી છે. તેનું ઋણ પણ જેટલા અંશે આથી ચુકવાયું હોય એટલે અંશે અમે ચૂકવવાનું યોગ્ય ધારીએ છીએ.