પૃષ્ઠ:Rasdhar 1.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વીકમસી ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશાભરી સોનબાઇએ ધણીનાં મોં પર લગનની પહેલી રાતનાં તેજ દીઠાં નહિં. નાનપણના ઊમળકા જાણે ક્યાં ઊડી ગયા છે! પૂછ્યું "કાં આયર! શું થઈ ગયું?"

વીકમસી ગળગળો થઈ ગયો; થોડી વાર તો વાચા જ ઊઘડી નહિ, હોઠે આવીને વેણ પાછાં કોઠામાં ઊતરી ગયાં.

સોનબાઇ ઢૂકડી આવી, કાંડું ઝાલ્યું.

"તું મને અડીશ મા! આયરાણી! હું નકમો છું."

"કાં?"

"હું પુરુષાતનમાં નથી. માબાપને મેં ઘણી ના પાડી'તી, પણ કોઇએ મારું કહ્યું માન્યું નહિ. કોઇ મારા પેટની વાત સમજ્યું નહિ."

"તે પણ શું છે?"

"બીજું તો શું કરું? આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે! પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દખી કરી. ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું."

"અરે આયર! આમ શીદ બોલો છો? એથી શું થઈ ગયું? કાંઈ નહિ આપણે બે જણાં ભેળાં રહીને હરિભજન કરશું." સાંભળીને વીકમસીનો ચહેરો ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યો: "ના, ના, તારું જીવતર નહિ બગાડું."

"મારું જીવતર બગડશે નહિ, સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી વાતું મેલી દ્યો."

ખોળામાં માંથુ લઈને મોવાળાં પંપાળતાં પંપાળતાં સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નીંદરમાં ઢળી. કોડિયાના દીવાની જ્યોત બેય જણાંનાં નિર્દોષ મોઢાં ઉપર આખી રાત રમતી હતી.

એવી એવી નવ રાતો વીતી ગઈ. દસમે દિવસ માવતરને ઘેરેથી સોનબાઇનો ભાઇ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને દસમી રાતે વીકમસીએ સોનબાઇને રજા દીધી "તું સુખેથી જા. હું રાજીખુશીથી