પૃષ્ઠ:Rasdhar 1.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અઢાર વરસની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુદ્દો બાપ તૈયારી કરતો હતો. અને આ પહેલીછેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડીઘેલી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા, ગાર-ગોરમટી, દળવાં-ભરડવાં ને ચાકળા-ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું. રૂપીબહેન હરતાં ને ફરતાં ભાઇના ગીતો જ ગાયા કરતી. એમાં બીના બની. ભાઇનો સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ, બોલી, "બાપુ! ભાઇ કહે છે નથી પરણવું."

"નથી પરણવું!" ડોસો હસી પડ્યો.

"સાચે જ, બાપુ, હસવા જેવું નથી. ભાઇ રોતો'તો!"

ડોસાએ વીકમશીને બોલાવ્યો. હોકની ઘૂંટ લેતાં લેતાં પૂછ્યું: "પણ કારણ શું છે?"

વીકમસીની પાંપણ ધરતી ખોતરતી હતી; એનાથી કાંઇ જવાબ દેવાયો નહિ.

"તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેશવાળ કરીએ."

"ના, બાપુ, ઇ કારણ નથી."

"ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડીશ; અને તારી માં પણ ખર્યું પાન ગણાય. અમને અવતાર ધરીને આ પહેલોછેલ્લો એક લા'વો તો લેવા દે, બાપ! અમારાં મોત સુધરશે."

બાપનું દયામણું મોં દેખીને વીકમસી ઘડીભર પોતાનું દુ:ખ વીસર્યો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઇને બીજો કશોય વહેમ ન ગયો. કોઇને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું.

લગન થઈ ગયાં. સોળ વરસની સોનબાઇ સાસરે આવી. અંતર ફાટ ફાટ થતું હતું.

આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી: એવી મહા મહિનાની ગળતી રાત હતી. ચોખ્ખા આભમાં ચાંદો ને ચાંદરડાં નીતરતાં હતાં.