પૃષ્ઠ:Rasdhar 1.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વા વાયો નથી: ભોળાં વરવહુ આઘેથી એકબીજાને જોઇ લેતાં, સામસામાં મીટ માંડીને ઊભાં રહેતાં, નીરખતાં ધરવ થાતો નહોતો. માયા વધતી જતી હતી. ચાર જમણ રોકાઇને જ્યારે સોનબાઇ માવતર જાતી, ત્યારે વીકમસી એકલો ભાદરકાંઠે ભાગી જઈને છાનોમાનો રોયા કરતો; પાછો બીજા પરબની વાટ જોઇને કામે લાગતો. કામ મીઠું થઈ પડતું.

"રૂપી! બોન! તુંને મારે માથે ખરેખરું હેત છે?"

"હા, ખરેખરું!"

"તો માને અને બાપુને એક વાત કહી આવીશ?"

"શું?"

"...કે મારે પરણવું નથી. ઠાલા મારા વીવા કરશો નહિ."

રૂપીબહેન વીકમશીની સામે ટગર ટગર જોઈ રહી, હસી પડી, "લે, જા જા, ઢોંગીલા! એવું તે કહેવાતું હશે? અમથો તો સોનબાઇ જાય છે તયીં આંસુડાં પાડછ!"

"રૂપી! મારી બોન! ભલી થઈને હસ મા, તે મારું એટલું વેણ બાપુને કહી આવ. મારે નથી પરણવું."

"પણ કાંઇ કારણ?"

"કારણ કંઇ નહિ, બસ મારે નથી પરણવું," એટલું કહેતાં વીકમશીના ડોળા ઉપર ઝળઝળિયાં ફરી વળ્યાં.

"રોઇ શીદ પડ્યો, વીરા મારા સમ! બોનના સમ! ખમા તુંને, ભાઇ! તારા મનમાં શું થાય છે, બાપા બોલ તો ખરો!"

એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઇના આંસુ લૂછવા લાગી. ભાઇનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું. ભાઇના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી "મને મરતી દેખ, ભાઇ! બોલ શું છે? સોનબાઇ નથી ગમતી? એનું કાંઇ હીણું સાંભળ્યું છે?"

વીકમસીની આંખમાં આંસુ વધ્યાં. બહેનનું હૈયું પણ કાંઇ સમજ્યા વગર ભરાઇ આવ્યું.