પૃષ્ઠ:Rasdhar 1.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પોતાના સુખમાં બે'નનું સુખ વીસરી તો નહિ જાય ને?"

"પણ મારી ચતુર વહુ ક્યાં વીસરવા દ્યે એવી છે?"

"આયરાણી! તોયે એક અબલખા રહી જાય છે, હો!"

"શી?"

"આ ખોળો ખાલી છે ઇ નથી ગમતું. કાલું કાલું બોલતું હોય, ખોળા ખૂંદતું હોય. મૂછ્યું ખેંચતું હોય-એવું ભગવાન આપે એટલે બસ. એવા થોડાક દી જોઇ ને જાયેં એટલે સદગતિ."

"આપશે, આયર! મારો વા'લો ઈ યે આપશે. આપણે માથે વા'લાજીની મહેર છે."

સતજુગિયાં વૃદ્ધ ધણી-ધણીયાણી આશાને તાંતણે જીવ ટીંગાડીને જીવતાં હતાં. એને માયલા ભેદની ખબર નહોતી. ભાદરકાંઠાની વાડીઓ ગહેકતી હતી. લીલી ઘટામાં પંખી માળા નાખતા હતાં. આઘે આઘે ઊની લૂ વાતી હતી. અને તરસ્યાં હરણાં ઝાંઝવાંનાં જળને લોભે દોડ્યાં જતાં હતાં.

વીકમસી સાંતી હાંકતો હાંકતો ઊભો રહી જાય છે, સમજ્યા વગર બળદની રાશને ખેંચી રાખે છે, વિચારે ચડે છે, "આ અસ્ત્રીનાં રૂપ-ગુણને મેં રોળી નાખ્યા. આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કરી નાખ્યું?....માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ વગરના પુરુષે તો અસ્ત્રીનાં લૂગડાં પહેરી પાવૈયાના મઠમાં બેસવું જોવે. નહિ તો સાત જન્મારા એવા ને એવા આવે. હું ભાગી જાઉં? આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે. પણ મારાં ઓશિયાળાં માં બાપનું ને મારી પંખણી બોનનું શું થાશે?" નિસાસો મૂકીને વીકમસી વળી પાછો સાંતીડે વળગતો પણ એને જંપ નહોતો.

ચારપાંચ મહિના આમ ચાલ્યું. તેવામાં વજસી ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયાં. હવે વીકમસીનો મારગ મોકળો થયો.